ફોન નંબર
એક ઢળતી સાંજે અગાશી પર ખુલ્લા આકાશની નીચે, આછા પથરાતાં પ્રકાશની ચારેય દિશામાં આખો દિવસના વ્યાકુળ પક્ષીઓ માળા તરફ જઈ રહ્યા હતા. મારા જ ફળિયામાં એક આસોપાલવ ત્રણમાળ વટાવીને ઊંચો અડીખમ ઉભો છે. સાંજના સમયે મોટાભાગે ત્યાં કોયલ હાજર હોય છે. એનો ટહુકો કાન માટે કવિતા છે. કેટલીક વાર તો મેં એ કોયલના ટહુકા માટે ટકોરા એ થતી આરતીમાં મોડું કર્યું છે. કારણ એ કોયલના ટહુકા મારે મન કોઈ ગેબી બ્રહ્મનાદથી ઉતરતા ક્યારેય નથી. આંખોમાંથી એ ડૂબતા સૂર્યનું મનોહર સૌંદર્ય મનમાં ઉતરી રહ્યું હતું.
વિચારશૂન્યની એ અવસ્થામાં વળી ક્યાં વિચારે ઘેરી લીધી એ વિચાર આવે તે પેહલા જ મારા જમણાં હાથમાં ફોન આવી ચુક્યો હતો. કંઈ ખાસ કામ ન હતું ને છતાં પણ! વિચાર પણ કર્યો કે સાવ આમ અચાનક ફોન હાથમાં લેવાનું પ્રયોજન શું છે ? "બસ એમ જ!" હજુ વિચારું કે રોજની ટેવ વશ આ થયું હશે કે શું? હા, હાથમાં ફોન લઈને કંઈ કામ ન હોવાછતાં ફોન મચડવાની ટેવ છે ક્યારેક. ત્યાં તો આખોમાં ઝળઝળિયાં બાઝી ગયા. આગળીનું ટેરવું એ નંબર પર જઈને અટક્યુ'તું કે જેમાં હવે ઇનકમિંગ કોલ શક્ય હતા આઉટગોઇંગ નહીં.
Contact listમાં સાડી ચારસો આસપાસ નંબરો છે હો. એ જ list માં હજુ થોડા એવા પણ નંબરો છે જે ખબર છે કે ક્યારેય રણકવાના નથી ને છતાંય આગળી એને delete કરતી નથી અથવા તો કરી શકતી નથી.
એ નંબરોમાં ઘણાબધા પ્રકાર હોય છે.
સંબંધ સચવનારા નંબરો, સંબંધ રાખનારા નંબરો, નિભાવી લેનાર નંબરો, રોજ કોલ કરનારા નંબરો, મેસેજ આવનારા નંબરો, કામ હોય ત્યારે જ સ્ક્રીન પર પૉપ અપ થનારા નંબરો, વાર-તહેવારે ડોકિયું કરતા નંબરો, વરસે-દાડે ફોન કે મેસેજ કરનારા નંબરો, 10 કે 20 જણાને ફોરવર્ડ કરનારા નંબરો, ને એવા તો ઘણાબધાં. સ્ક્રીન પર પૉપ થતા નંબરો જોઈને હાવભાવ બદલાય જાય છે. અમુક નંબરો જોઈને ચહેરા પર સ્મિત ફરી વળે. ગુરુત્વાકર્ષણના બળની જેમ લાગણીનું બળ રહેલું હોય છે નંબરોમાં. અમુક નંબરો યાદ રાખવાના નથી હોતા યાદ રહી જાય છે સહજ રીતે માણસોની જેમ જ. આખા લિસ્ટમાંથી માત્ર 1 કે 2 જ નંબરો એવા હોય છે જે અડધી રાતે પણ લગાડી શકાય. આ બધા જ નંબરો ધીમે ધીમે આખો સામેથી સ્ક્રોલ થઈ રહ્યા'તા. એમ જ કહોને કે જાણે માત્ર નંબરો નહીં યાદો સ્ક્રોલ થઈ રહી હતી.
અત્યારે એવું જ થાય છે કે લાવને એમને કોલ કરું! અવાજ સાંભળું. સાથે ગાળેલી એક-એક ક્ષણને વાગોળી લઉં. અવાજની એ જ મીઠાશને હ્દયમાં ઉતારું. એ પણ વિચાર આવ્યો કે 'રખને એને પણ એ જ વિચાર આવ્યો હોય કે લાવને અવાજ સાંભળું?' તો કેવી મજા આવે! મને આજે પણ એની એ જ રિંગટોન ગમે છે. પણ એ કોલ પર કોઈ જવાબ આપનાર નથી. મારી પાસે એવા નંબરો છે જેના નંબરો પર જઈને યાદ પણ નથી એટલી વાર ડાયલ કરીને કટ કરેલા છે એ ફોન નંબર. એ માત્ર નંબરો નથી ટકી જવાનું બળ છે. એમની વાતોનું, સલાહનું રેકોર્ડિંગ ફોનમાં નહી પણ સ્મૃતિમાં અકબંધ છે.
Bhumi Joshi
Comments
Post a Comment