ધૂળની ઢગલીઓમાં છુપાવેલું તારું નામ હજીય શોધું છું..... -
ઉમેશ જોષી એટલે સાહિત્ય જગતનું એક આગવું નામ. કવિ એ ગદ્ય અને પદ્ય એમ બન્ને સાહિત્ય સ્વરૂપોમાં નોંધપાત્ર ખેડાણ કર્યું છે. અમરેલી જિલ્લાના વતની કવિ શ્રી ઉમેશ જોષીએ કલાપીનગરી, લાઠીમાં માધ્યમિક સુધીનું શિક્ષણ મેળવ્યું ને પી.ટી.સી.નો અભ્યાસ કરી પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા. એમણે જ્ઞાનની જ્યોત સતત પ્રજ્વવલિત રાખી છે.
સિત્તેરના દાયકામાં ગુજરાતી કવિતામાં પ્રવેશી ગયેલું અને ખૂબ જ ઓછા પ્રમાણમાં ખેડાયેલ જાપાનીઝ કાવ્યપ્રકાર 'તાન્કા' એમનો પ્રિય કાવ્યપ્રકાર છે. 'વેલકમ તાન્કા' નામે એમનો તાન્કા સંગ્રહ કવિ અગાઉ આપી ચુક્યા છે. કવિના 'હથેળીમાં કૂંપળ' તાન્કા કાવ્યસંગ્રહ વિશે આપણે અહીં વાત કરવાના છીએ. બાળસાહિત્યમાં પણ કવિએ પોતાનું યોગદાન 'તારલા' બાળકાવ્યસંગ્રહ આપીને આપ્યું છે.
લઘુલેખ સંગ્રહ 'દીવડો' માં એમનો ગદ્યકાર સિદ્ધ કરવા માટે કાફી છે ગદ્યમાં પણ એટલું સુંદર અને વાચકને સ્પર્શે એવું કાર્ય.... રૂબરૂ મુલાકાતના અંજળ તો હજુ નથી સાંપડ્યા પરંતુ એમના વિશે સાંભળેલી વાતોમાંથી, એમના પુસ્તકોમાંથી જે વિચાર પુષ્પ મળ્યું છે એ અનન્ય છે. જે કોઈ પણ એમના સંપર્કમાં આવે એ તેમના પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, પ્રેમ,અને કાર્ય પ્રત્યેની નિષ્ઠાથી જરૂર થી આકર્ષાય.
થોડા દિવસ પહેલાં જ એક મિત્ર પાસેથી જાપાનીઝ કાવ્ય પ્રકાર, તાન્કા વિશે જાણવા મળ્યું. તાન્કાઓ એણે સંભળાવેલા. સાંભળીને વાંચવાની ઈચ્છા વ્યક્ત કરેલી. એની મદદથી એક ના બદલે બે સંગ્રહો આપણા ઘરે! 'બાય વન ગેટ વન ફ્રી' ઓફરથી આનંદ આનંદ...
'હથેળીમાં કૂંપળ' નામક તાન્કા કાવ્ય સંગ્રહ અને 'દીવડો' લઘુકથા સંગ્રહ પ્રેમથી મોકલી આપવા બદલ કવિ શ્રી ઉમેશ જોશીનો ખૂબ ખૂબ આભાર.
હાઈકુ ની જેમ જ તાન્કા એ અનોખો કાવ્ય પ્રકાર છે. માત્ર એકત્રીસ અક્ષર વડે રચાતું કાવ્ય! ને કાવ્ય પણ કેવું? પ્રકૃતિ તત્વોથી છલકાતું, સંવેદનાથી છલોછલ ને અક્ષરસહ ગુઢાર્થો સાથે આનંદ અને સંદેશ વાંચકોને સુપેરે પૂરું પાડે એવું.
કવિ શ્રી ઉમેશ જોશી એ 'હથેળીમાં કૂંપળ' નામક તાન્કા કાવ્ય સંગ્રહમાં સો થી પણ વધુ તાન્કાઓનો સમાવેશ કર્યો છે. દરેક તાન્કાનું બંધારણ ૫,૭,૫,૭,૭, અક્ષરોને જાળવી રાખે છે. એક એક તાન્કા કાવ્ય ભાવકના મન પર અલગ જ છાપ ઉપસાવે છે. કવિ એ પ્રકૃતિ, સમય ને માનવ સંવેદનાનો સુપેરે સુયોગ કાવ્યમાં કર્યો છે. અને એક અનોખું ચિત્ર ભાવક સમક્ષ ખડું થાય છે.
વિદાય શબ્દ મનને ભારે કરી નાખે છે, એ પછી દીકરીની વિદાય હોય કે દીર્ઘકાળ સુધી લંબાતી.... કવિ વિદાય સંદર્ભમાં લખે છે,
ચિરવિદાય
અચાનક ભૂંસાય
પગકેડીઓ
ઘનઘોર જંગલ
ઝંખી રહ્યું છે પગલાં.
પૃથ્વી પર આવવું ને જવું એ ક્રમ છે. સતત પ્રવાસ ને પ્રવાહ એ જ મનુષ્યનું જીવન છે. તેમછતાં કરુણ સત્ય એ વિદાય છે, જે માણસને હચમચાવી નાખે છે, અકળાવી મૂકે છે. 'એ' નહીં હોય ની કલ્પના માત્ર ધ્રુજાવી નાખનારી હોય છે ત્યાં તો કવિ અહીં ચિરવિદાયની વાત કરે છે. આપણને હંમેશા બધું સાચવી રાખવાની આદત હોય છે. આપણે બધું જ સંગ્રહી રાખવું હોય છે. પણ, ધૂળ તો પગલાંની છાપ ક્યાંથી સાચવી શકે? ઘનઘોર જંગલ એ ભૂલભાલમણું છે એમાંથી બહાર આવવું શક્ય નથી કારણ કે એ જંગલ માત્ર જંગલ નથી હોતું! દરેકને પોતીકું એક ઘનઘોર જંગલ હોય છે. એ જંગલ હોય છે સ્મરણોનું, ઘેરી વળેલી એકલતાનું, બાજી ગયેલી ઉદાસીનતાનું ને સાથે વિતાવેલી કેટલીય સાંજનું! આ તમામ ફરી એક્વાર કોઈનો સાથ ઝંખે છે, શોધતું ફરે છે એને ગમતાં પગલાંઓ જે એના મન પર અંકિત થઈ ચુક્યા છે. પ્રિયજનની ચિરવિદાય સહજ સ્વીકાર્ય નથી જ! એ સતત ઝંખ્યા કરે છે. ને એટલે જ કવિના જ શબ્દોમાં જોઈએ તો એ કહે છે,
છુપાવ્યું હતું
જે વરસો પહેલાં
મેં તારું નામ
ઘૂળની ઢગલીમાં
એ હજીય ખોળું છું.
કવિ સમયને, જીવન ચક્રને એકસાથે ગુંથે છે. કવિ ક્ષણ અને સદીઓના અંતરને સાંકળી લે છે.
થઈ ગયો છે
મુકામ છોડવાનો
હવે સમય.
કિંતુ ઊંટ હાંફે છે
છોડેલા શ્વાસે હજી.
સમય પણ,
ખિસકોલીની જેમ
શ્વાસની ડાળે
ઝટપટ દોડતો
કહે, 'આંબી જા મને!'
યુગાંતરના
એક પછી અનેક
વરસો ગયાં
છતાં થયા કરે છે
પળ થંભી જાય તો?
સમયને અટકવાની ટેવ નથી. સમય સતત દોડતો રહે છે, હંફાવતો રહે છે. સમય પકડા-પકડીની રમત જેમ હંમેશા દાવ માથે ચડાવતો રહે છે ને દૂર ઊભો ઊભો અટહાસ્ય કરતો જાણે કહેતો હોય, 'આંબી જા મને!'
જીવન એ ક્ષણોમાં વિતાવેલા સમયનું નામ છે. ક્ષણને રોકવા માટે આપણે વ્યર્થ યત્નો કરીએ છીએ. ક્ષણ એ જ જીવન છે. ક્ષણમાં જ વિતાવેલો સમય સદીઓ સુધી લંબાઈ શકે છે. સદીઓની સદીઓ વિતાવી ને આવ્યા પછી પણ, વરસો સુધી ખેડેલા પ્રવાસ પછી પણ એવું થાય છે કે, બસ આ ક્ષણ અહીં થંભી જાય તો!
સમંદરની
ઊંડાઈ માપવાનું
છે શક્ય પણ
ચક્ષુના તળ સુધી
પહોંચવું કઠિન.
કવિ એ કેટલી ગહન વાત કેટલી સરળતાથી કરે છે! યક્ષ પ્રશ્નોના જવાબ આપવા પણ કદાચ સહેલાં લાગે. પણ, આ ચક્ષુની ભીતરમાં રહેલી ભીનાશ અને લાગણીઓને ઉકેલવી સરળ નથી જ. સમુદ્રમાંથી મોતી મરજીવો પોતાનો જીવ જોખમમાં મૂકીને લઈ આવે એ શક્ય છે પણ ચક્ષુમાં એ મરજીવા પણ ડૂબી જાય. મોતી મેળવવા સહેલાં છે પણ કોઈને ભીતરથી ઓળખવું ને એના મૌનને પામવું એ કઠિન છે. કવિ કેટલી સહજતાથી માનવીય સંવેદનાના અંબરને આંબી જાય એવી વાત કરે છે.
હોય છે ઘણાં
ઉતાવળાં સપનાં
આવે એવાં જ
નીકળી જાય દોડી
અંજળના દ્વારેથી.
દરેક સપનાને ફળવાની ટેવ નથી હોતી. અમુક સપનાઓ માત્ર આંખોમાં જ સમાઈ રહેવા માટે સર્જાયા હોય છે. એને પૂર્ણ થવાના અંજળ જીવનભર આવવાના નથી હોતા. અમુક સપનાઓ આંખમાં રહી શકે, શ્વાસમાં શ્વસી શકે પરંતુ જીવંત ના બની શકે! એ રેતની જેમ સરકી ઝડપથી પલકારામાં વહી જાય છે.
માણસની જીજીવિષા એને દોડતી અને જીવતી રાખે છે. જીવન - મરણના આયામો કવિ કાવ્યમાં રજૂ કરે છે ને એક ચિત્ર આપણી સમક્ષ ખડું થાય છે. કવિ કહે છે,
દવા હાથમાં
હોય ત્યારે થાય છે
હું હરણ છું.
દોડતો રણ મહીં
મૃગજળ પાછળ.
ઝાંઝવા પાછળ દોટ મૂકી જેમ હરણ સતત દોડ્યા કરે છે એમ જ દવા હાથમાં રાખીને શ્વાસની જીવાદોરી વધારવાની ઝંખના સતત વધતી રહે છે. કોઈપણ દવા સમય અને શ્વાસને માત આપી શકે એવું નથી જ. જીવનની એકક્ષણ પણ વધારી શકે એમ નથી એ જાણવા છતાં પણ જીવવાની જીજીવિષા એ દવાને જોઈને સતત લંબાતી રહે છે, દોરતી રહે છે. ઝાંઝવા પાછળની દોટનો અંજામ તો આપણને બધાને ખબર જ છે ને!
આજનો દિન
'પ્રવાસ યાત્રા' વાંચી
હરખાયો ત્યાં
જવાનું થયું મારે
સમશાન યાત્રામાં
મુસાફરીમાં આનંદ ભળે તો પ્રવાસ ને ભક્તિ ભળે તો યાત્રા બને છે. જીવન અનિશ્ચિત છે ને મૃત્યુ નિશ્ચિત! આ પ્રવાસ-યાત્રા ક્યારે, ક્યાં? કેવી રીતે પૂર્ણ થશે એ નક્કી નથી પણ પૂર્ણ થશે એ નકકી છે. આપણે જીવનની ઘટમાળમાં ક્યાંક એ ભૂલી ગયા છીએ કે આપણે અહીં કાયમી નથી આંગતુક છીએ છતાં સૌ પોત-પોતાને એ ઘટનામાંથી બાદ કરીને જ વિચારે છે. ને, એટલે જ આવા પ્રસંગો આપણને સતત યાદ કરાવ્યા કરે છે કે આપણે સફરમાં છીએ સ્થિર નથી. ગમે ત્યારે આપણે પણ રસ્તો ઓળંગવાનો છે ને એ પણ માત્ર ઘરથી કબર સુધી!
–' ભૂમિ જોષી
Comments
Post a Comment