#2019
વહી જાય છે સમય રહી જાય છે સમય
ઢળી જાય છે સમય પછી વળ ખાય છે સમય
~
એક દિવસ બદલાવાથી કેટલું બધું બદલાય શકે એનું ઉત્તમ ઉદાહરણ છે ડિસેમ્બરનો છેલ્લો દિવસ. હવે થોડા જ કલાકો પછી ફરી એકવાર કેલેન્ડર બદલાશે, તારીખો બદલાશે, પણ તારીખો સિવાય બીજું કશું બદલાશે ખરું! 2019 હવે દરેકની જિંદગીની કિતાબમાં પોતાનું સ્થાન રજીસ્ટર કરાવીને ચાલતું બનશે બેફિકર બનીને......
બસ એમ જ, આપણે પણ કોઈ એક દિવસે, કોઈ એક સમયે જીવનમાંથી ચાલતા બનવાનું છે બેફિકર બનીને! જે સમય વિતાવી શક્યા એનો ઉત્સવ બનાવીને.
ક્યારેક વિચારું છું તો વિચાર આવે કે સમયને વસવસો હોય? કે સમયનો વસવસો હોય? મને લાગે છે કે બન્ને શક્ય છે. શરૂઆતથી ફરી ક્યારેય શરૂઆત ન થઈ શકે! સમય સાથે બાથ ભીડનારા આપણે કોણ? જાન્યુઆરી ને ડિસેમ્બરની વચ્ચેથી જે પસાર થઈ ગયું એ શું હતું? સમય ચાલી જવાનો છે એ સત્ય ખબર હોવાછતાં પણ ક્યારેક કોઈ સ્વજનની ગેરહાજરીની પીડા જેમ અસહ્ય હોય એમ જ વહેતો સમય કયારેક પીડા વધારી જાય છે. સમયને જીવનના કોઈ એક પ્રકરણમાં રોકવો શક્ય નથી. એ દરેકે દરેક ક્ષણે દરેક પન્નામાં અલગ અલગ રીતે વિભાજીત થઈને ઊભો છે આપણી માટે! આપણે માત્ર એના સુધી પહોંચવાનું હોય છે. આપણે માત્ર એના સુધીની સફર ખેડવાની હોય છે. હા, ડિસેમ્બર 2019 સુધી પહોંચ્યા છીએ એ રીતે જ.આ સમયની સફર હોય કે નહીં આપણી તો છે જ, અવશ્ય છે જ.
દરેક ક્ષણે એક નવું દ્રશ્ય રચાતું આવ્યું છે ને રચાતું રહેશે. કશુંક મેળવવાની લાલશામાં ગુમાવવાનું લિસ્ટ હંમેશા લાંબુ રહ્યું છે ને દર વર્ષે લંબાતું જવાનું પણ છે ને એને જ આપણે આપણી જાતને જીવન કહી ને આશ્વાસન આપ્યા કરીએ છીએ. દરેક વર્ષે હાથમાં આવીને કશુંક છૂટી ગયાનું દુઃખ તો કશુંક વણમાંગ્યું પામવાનું સુખ! બન્નેમાં કોનું પલ્લું ભારે છે એ તો ક્યારેય નક્કી નહિ કરી શકાય. સમય સાથે એકાંત વધતું ચાલ્યું છે તો ક્યારેક ઢળતી સંધ્યાની સાથે એકલતા પણ ઘેરી વળી છે. ઘણી માન્યતાઓ તૂટી ગઈ છે તો ઘણીય એવી છે જે ટકી જવાનું બળ પૂરું પાડ્યું છે.
એણે જ શીખવ્યું છે કે સમયને સાચવી ના શકો, સમય પણ કોઈ છોડીને ગયેલા સ્વજનની જેમ જ પાછો ના ફરી શકે! સમયને યાદગાર બનાવી શકો ને યોગ્ય રીતે વાપરી શકો. ઘણુંબધું ગયું છે આ સમયની સાથે તેમછતાં કશુંક બચી ગયું એનો આનંદ છે. ઘણાં સંબંધોમાં તિરાડો પડી છે, ઘણાં કાચની કરચની જેમ ચુભ્યા છે, કેટલાક રીતસર ના તૂટ્યા છે તો બીજી બાજુ ઘણાં એવા પણ છે જ્યાં કોઈ અપેક્ષા નોહતી એ છતાં એ મજબૂત રીતે અડીખમ ઊભા છે!
સમય સાથે ચાલવું એ જ એક ઉપાય છે એમ છતાં આ વર્ષે ઘણીવાર એમ થયું છે કે એકપણ ક્ષણ પસાર ન થવી જોઈએ. પણ અમુક નિર્ણયો આપણા નથી હોતા ને અમુક નિર્ણયો આપણે લેવાના નથી હોતાં બસ એ બન્ને વચ્ચેથી જે પસાર થઈ જાય છે એ જ જિંદગી.બધું જ અહીંયા જ સ્થગિત થઈ જાય તો ઝીરવી નહિ શકો. હાસ્યનું મૂલ્ય રોયા પછી જ સમજાય છે ને! મૌનને કેટલા અર્થો હોય એ જાણવા મળ્યું સમજવા મળ્યું, કોઈને સમજાવવા મળ્યું, કોઈ સમજી શકે એવું મળ્યું, કોઈ સાંભળી શકે એવું તો કોઈ સંભાળી શકે એવું!
ઢળતા સૂર્યનો કેફ મને હંમેશા રહ્યો છે પણ ઊગતા સૂર્યને ખીલતો જોવાની લાલશા ટાળી શકાતી નથી. દરિયો આ વર્ષે ખૂબ દૂર રહ્યો છે પણ એનો ઘૂઘવાટ અને મોજા મારી અંદર સતત ઉછળતા રહ્યા છે. પીડાને પ્રસાદ ગણાવી પોતીકી કરવાની કળા એ આ વર્ષની ઉત્તમ શીખ છે.
સમય હવે નથી અથવા તો હવે આ સમય રહેશે નહિ. રહેશે તો માત્ર આંખમાં દરિયો, સાંજના સ્મરણો, ઢળતી સંધ્યા સાથે વ્યાપેલો સન્નાટો, ઉજવેલા દિવસો, બારણે વાગતા ભણકારાઓ તો ક્યારેય સ્મૃતિપટમાંથી બાદ ના કરી શકાય એ યાદો!
આવનારા વર્ષનું લિસ્ટ તૈયાર ના કરતા હજી આ સમયના થોડા કલાકો છે આપણી પાસે. 2020 આવું હશેની કલ્પના કરતા 2019ને આમ પૂરું કરી શકાય એ શકયતાઓ આપણાં હાથમાં રહેલી છે. આપણે કદાચ શરૂ ના કરી શકીએ પરંતુ ચોક્કસ રીતે એને પૂર્ણ તો આપણે ઇચ્છીએ એ રીતે તો કરી જ શકીએ. દોડડધામ ભરી જિંદગી માંથી થોડીવાર માટે પણ અટકી જજો, માણી લેજો અસ્તિત્વને સાથે રહેલા લોકોને, આસપાસની પ્રકૃતિને ને ના વિસરી શકાય એવી ક્ષણોને એ જ નશો જીવનને જિંદગી બનાવી રાખે છે બાકી વોડકા ને વાઇનથી તો ઠીક! ઉતરતા નશાઓ કયારેય ચડતા જ નથી હોતા. બસ, બધું જ જવા દેવાનું છે સમયની સાથે ને આપણે પણ જવાનું જ છે ને!
ફરી એકવાર જૂની યાદોની પોટલીમાં થોડું ઉમેરીને નવી ગાંસડી લઈને સફર કરવાની છે. તો ચાલો, હસતાં ચેહરે, આનંદ ઉલ્લાસ સાથે તૈયાર થઈ જાવ એક નવા કેલેન્ડરમાં પ્રવેશવા માટે!.
~ ભૂમિ જોશી
very nice
ReplyDeleteસંતુલિત અભિવ્યક્તિ ......ખોવું અને પામવું એ જ સમય....! મેળવવું અને આપવું એ જ ક્ષણની લીલા....!
ReplyDeleteલખતી રહેજે આવા સમયના સંધિ કાળે....
સમયના અંજળ ઓચિંતા આવે કે હોવું લાગે મીઠું...
અભિનંદન