ક્ષણ.....
સમય! કેટલીય ક્ષણોને ભેગી કરીને બને છે આ સમયની ઘડિયાળ. બધું જ છે છતાંય ક્યારેક લાગે છે કે કશુંક ખૂટે છે ત્યારે પણ એ ખોટ તો સમયની જ હોય છે. વર્તમાનની ક્ષણ ગમતી ના હોય ત્યારે ભૂતકાળની ક્ષણોમાં માણસ સરી પડે છે. ખબર નથી પડતી કે એ સમય સુખ આપે છે કે દુઃખ!
જીવી લેવાનું હોય છે. કઈ રીતે, નથી ખબર. કેમ જીવવાનું છે એ પણ નથી ખબર. કેટલાય પ્રશ્નો છે જેના જવાબો પણ નથી ખબર! શું નથી ખબર એ પણ નથી ખબર ત્યારે, મનની પીડા સ્હેજ વધી જાય છે. જગત આખું નાચી રહ્યું હોય ત્યારે ક્યાંક જીરવી ન શકાય એ ક્ષણ ને કોઈ હદયમાં ધરબીને બેઠું હોય છે.
બધા પર હાથ અજમાવવાનો ? એટલો સમય છે? સુખમાં, દુઃખમાં, જીવનની બનતી તમામ ઘટનાઓમાં કોઈ એક અસામાન્ય બાબત હોય તો એ છે કે એમાં કશુંક સામાન્ય હોય છે જે માણસ ને ટકાવી રાખે છે. ધરતી પર કશું જ અકારણ નથી બનતું અને નથી મળતું પણ. જીદથી જીવવાની કિંમત ચૂકવવી પડે છે ને એની ખરીદી અઘરી છે, અસંભવ નહિ!
કંટાળીને બધું છોડીને ક્યાંક ચાલ્યા જવાનો વિચાર પણ ક્યાંક ભગાડી જાય છે પણ જશો ક્યાં? એ પ્રશ્ન અટકાવી રાખે છે. બીજા દેશમાં, જંગલમાં, દરિયામાં, ભેખડોમાં, રિસોર્ટમાં, પર્વતો પર, ક્યાં?? એ પ્રકૃતિ જો અંદરના ચૈતન્યમાં નથી તો એને બહારથી પણ ગ્રહી નહિ શકો.
કેટલાય રસ્તાઓ આપણે ખૂંદવા પડે છે ને પછી રસ્તા ની ઠોકરો આપણને ઘડી નાખે છે. જીવંત બનીને જીવવું એ એક જ ઉપાય છે. દરેક ઘટનાની સાથે જીવવું, શીખવું અને એ અભ્યાસનો ઉપયોગ કરવો, બધું જ લૂંટાય જાય, કશું જ હાથમાં ના હોય, એક પણ આશાનું કિરણ બચ્યું ના હોય તો પણ શ્વાસની છેલ્લી ક્ષણ સુધી જાત સાથે પ્રમાણિક બનીને જીવવું એ જ એક રસ્તો છે જીવંત રહેવાનો. દુનિયા વાતો કરવા માટે લોકો શોધી જ લે છે માત્ર આપણે આપણી યાત્રા શરૂ રાખવાની છે અને એ પણ learn, unlearn and relearn ની પ્રકિયામાં.
જીવનની કોઈ પળે પાછું ફરીને જોવાનું થાય તો અફસોસ ન થવો જોઈએ. મૃત્યુની પળે હજુ જીવવાનું બાકી છે ને વસવસો ન હોવો જોઈએ. મન -એ વિશ્વ ની સૌથી સુંદર જગ્યા છે. આંખોનું ઊંડાણ તો દરિયા પાસે પણ નથી. પ્રેમથી જીવી શકાય. પ્રેમ હોવો જોઈએ સ્વ થી સ્વજનસુધી, ક્ષણને ઉજવવા માટે. રોમરોમમાં એનો વાસ થવો જોઈએ, અનુભૂતિ થવી જોઈએ.
સ્વાર્થ, ઈર્ષા, દ્વેષ, અભિમાન સ્વભાવગત છે પરંતુ પ્રેમથી બધું જ ઓગળી જાય છે. કશુંક બનવા માટે નહીં પણ કશુંક પામવા માટેની મથામણ છે. અપણે છે એનાથી બમણું કરવાની હોડમાં છીએ પરંતુ જીવન એ કોઈ દોડની સ્પર્ધા નથી. દરેકના સવાલો અલગ છે. જે સવાલો પૂછી- પૂછીને થાકી જઈએ ને જ્યારે જવાબો મળે ત્યારે વ્યર્થ લાગે! કદાચ એવું બને જેને આપણે સવાલો, મુશ્કેલી ગણાતા એ હકીકત માં હતું જ નહિ. આખી જિંદગી જેની પાછળ દોડી દોડીને તળિયા ઘસ્યા એ તો માત્ર મૃગજળ હતું , ખરા સવાલો તો હવે શરૂ થાય છે ને જ્યારે જવાબ મળે ત્યારે ફરી સવાલો ફરી જાય છે. આ શું છે? શેની મથામણ છે? એના જવાબો દરેક પાસે અલગ અલગ છે ને મજાની વાત તો એ છે કે એ બધા જવાબો સાચા છે....
~ ભૂમિ જોશી
જીવનની કોઈ પળે પાછું ફરીને જોવાનું થાય તો અફસોસ ન થવો જોઈએ. મૃત્યુની પળે હજુ જીવવાનું બાકી છે ને વસવસો ન હોવો જોઈએ. મન -એ વિશ્વ ની સૌથી સુંદર જગ્યા છે. આંખોનું ઊંડાણ તો દરિયા પાસે પણ નથી. પ્રેમથી જીવી શકાય. પ્રેમ હોવો જોઈએ સ્વ થી સ્વજનસુધી, ક્ષણને ઉજવવા માટે. રોમરોમમાં એનો વાસ થવો જોઈએ, અનુભૂતિ થવી જોઈએ
ReplyDeleteઆ અદભુત....હો.
Keep writing...
ક્ષણભંગુર ક્ષણોથી ભરેલા ક્ષણિક જીવનમાં... ક્યારેક જ એવી ક્ષણ આવતી હશે જેમાં આખાય અસ્તિત્વને ક્ષણભર માટે જીવી શકાતું હશે.
ReplyDeleteપણ સાચું જ છે ને... યાત્રા શરૂ રાખવાની છે અને એ પણ learn, unlearn and relearn ની પ્રક્રિયામાં.