આઠમો રંગ એટલે કેવો રંગ? ક્યાં રંગોના મિશ્રણથી બનતો હશે આ આઠમો રંગ? હિમાંશી શેલત દ્વારા લખાયેલ આ નવલકથા રંગોથી ભરપૂર છે અને સાથે એની ઝાંય પણ અલગ અલગ ઘટનાઓમાં જોવા મળે છે.
રંગોનું વૈવિધ્ય મને ગમે છે. રંગો પ્રત્યે આકર્ષણ પણ ખરું પણ બધું જ હર્યું ભર્યું હોય તોય એક અજંપો સતત મનમાં રહે છે. બધું જ હોવાછતાં એક અભાવ મનમાં ખૂંચે છે. આ અજંપો છે જે અમૃતા શેરગિલને ક્યાય સ્થિર નથી થવા દેતો. ચિત્રોના રેખાંકન સમજીને આબેહૂબ એ ચિત્રોમાં ઢાળી શકે. પેરિસમાં ઉછરેલી ને ચિત્રકલાની તાલીમ લીધી હોવાછતાં ભારતીય ચિત્ર શૈલીની છાપ એના ચિત્રોમાં જોવા મળે. અજંતાના ચિત્રો પછી ભારતની વિવિધ શૈલીના ચિત્રો જોયા પછી એમાં રહેલો તફાવત સુપેરે પારખી શકે.
બંગાળચિત્ર શૈલીના જળ રંગો નિસ્તેજ ભાસે છે. વોશની પરંપરાગત પદ્ધતિમાં આકારોની રેખાઓ કદી સ્પષ્ટ થતી નથી અને બધું એકાકાર અને ધૂંધળું રહે છે. ચેહરાના ભાવો કેનવાસ પર ઊતરી આવે એની મથામણમાં હોય છે હંમેશા અમૃતા શેરગિલ.
ભારતીય ચિત્ર શૈલી તથા ગોંગના ચિત્રોનો અભ્યાસ ને કાર્લનું માર્ગદર્શન. બદલાતા સંબધોની વ્યથા ને એના આયામો કઈ કેટલુંય નક્કી કરી આપે છે. માનતા હોઈએ કે એના વગર નહિ ચાલી શકે એના વગર આપણે બધું ઝીરવતા શીખી જઈએ છીએ ને ભીતરથી ઝુરતા રહીએ છીએ.
વિવિધ રંગોની ખાસિયતો એના સ્વભાવમાં. ભારે ને ભપકાદાર ઠાઠ એનો. તોછડાઈ નહિ પરંતુ સાવ અલ્લડ અને જિદ્દી મિજાજ એનો મારા મતે જીદ પર જીવવાની આવડત. પ્રસંશાની લાલશા નહિ પર ખરા અર્થમાં ચિત્રકલાની કદરદાન. સાહિત્ય ને ચિત્ર ભિન્ન હોવા છતાં અભિન્ન ના રહી શકે એની સમજણ.
જેમ જેમ નવલકથા આગળ વધતી જાય એમ એમ એના નવા સ્વરૂપો ખુલતા જાય. ત્રેવીસ-ચોવીસની વયે ઘર બાંધી બાળકો સંભાળવાની ઉંમરે પીંછી ને કેનવાસ લઈને સાવ યાયાવરની જેમ નીકળી પડવું, સામ પ્રવાહે વહેવું ને સમયના બાહુપાશમાં ન જકડાવવું એ અમૃતા. અમૃતસર, સિમલા, પેરિસ, સરાયા, હંગેરી, ને લાહોરમાં એનો મિજાજ નહિ પણ સ્વરૂપ અવશ્ય બદલાયા છે. એક જગ્યા એ સ્થિર ન રહેવાનો જાણે અભિશાપ.
પ્રત્યેક ક્ષણને જીંદાદિલીથી જીવવાની જીદ અને જીવાયેલી એક પણ ક્ષણનો અફસોસ ન કરવાની આવડત. માલ્કમ તો કહેતો, "અમૃતાની જિંદાદિલી ઉછીની મળે તો માંગવા જેવી!"
આટલા બધા રંગોના આકર્ષણ, ઉત્સાહ ને ઝાહોઝલાલી વચ્ચે પણ ક્યાંક આઠમો રંગ એના મનમાં વસે છે. આંગળીઓ પીંછી બની જાય ત્યાં સુધી એને ચિતરવું છે એ યાદ કરે છે દરેકે દરેક વસ્તુ, વ્યક્તિ ને વીતી ગયેલી પ્રત્યેક ક્ષણ! એડીથ, માલ્કમ, હેલેન, કાર્લ, વૉન્ગ, વિલિયમ્સ, ને વિક્ટર!
સારાયાની કોઠીના લગ્ન જીવન જોઈને અમૃતાને ગોઠતુ નથી. સ્ત્રીઓ ઘરના કામ કાજમાંથી, રસોઈ બનાવવામાંથી અથવા બાળકોને તૈયાર કરવામાં પોતાનું સુખ કેવી રીતે શોધી લે એ વાત જ ગળા નીચે નથી ઉતરતી છતાં અમૃતા એમાંથી બાકાત નથી. અલગ અલગ અનુભવો પછી અમૃતા વિક્ટર સાથે ઠરીઠામ થવાનું નક્કી કરે છે. કોઈ બંધનની શરત વગરના લગ્નમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસ નથી.
વિક્ટર અને અમૃતા વચ્ચે એક સભાનતાનો પડદો છે સ્ત્રી-પુરુષ એકબીજા ને સાવ નજીકથી ઓળખતા હોય ત્યારે રચાતો પડદો. પાસે જવાની અશક્તિ અથવા તો નજીક પહોંચવાના સામર્થ્યનો અભાવ! અજાણી વ્યક્તિ સાથે જીવી ન શકાય, ને જાણતા હોઈએ એ વ્યક્તિની બહુ નજીક ના આવી શકાય.
યુદ્ધના ઓથાર આસપાસ લખાયેલ આ કૃતિ રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિનો સુયોચિત પરિચય આપે છે. યુદ્ધમાં હંગેરીની માઠી દશા થવાની છે એ વાત જાણવા છતાં એ વિનાશને કોઈ અટકાવી શકે એમ નથી એ વધુ દયનિય છે.
ધારો કે પારિસ જર્મનોના હાથમાં આવી જાય તો ફ્રાંસના શ્રેષ્ઠ ચિત્રોની શી હાલત થાય? બીકમાં શ્વાસ અટકી જાય એવો વિચાર છે.....મને તો ચિત્રોનો વિચાર પેહલા આવે પણ જ્યાં આખી સંસ્કૃતિ ખતમ થઈ જવાની હોય ત્યાં બાકી શું રહે! દાદાવાદીઓ કેહતા જ રહ્યા ને કે 'યુદ્ધમાં પાગલ થયેલાઓ ને કલા શું ને સર્જન શું?'
વિક્ટરને ભારત લઈ આવવા બદલ એ દુઃખ અનુભવે છે. વિક્ટરના માં ની ઉદાસી એની આંખોમાં જોઈ શકે છે પણ સાથે એ પણ જાણે છે કે બધાને એક સાથે સુખી નહિ કરી શકાય. ઘણા નિર્યણો એવા હોય છે જેમાં બધાની સહમતી નથી લઈ શકાતી.
જીવનની છેલ્લી ક્ષણોમાં એને જોઈએ છે એના ચિત્રો. એની પાસે છે બચેલા થોડા પત્રો. ઠાઠમાઠથી દુર પોતે જ વિચારે છે કે આ એ જ અમૃતા છે જેને મેળાવડો ગમતો, લોકોની સરાહના ગમતી, પાર્ટીઓ ગમતી, જે કામ આનંદ આપતું એ જ કામ આજે નિરાશ કરે છે. એવો રસ આજકાલ ક્યાંથી લાવવો?
સાહિત્યકરો, ચિત્રકારો, શિલ્પકારો અથવા તો કોઈ કલાકાર માટે જાણીતા હોવું, લોકજીભે હોવું, ચુંબકીય વ્યક્તિત્વની અસર હોવી એ એક પરિવર્તનશીલ અસ્વથા છે. જ્યાં સુધી પ્રકાશવર્તુળના કેન્દ્ર હોઈએ ત્યાં સુધી જ લોક આગળ-પાછળ ફરતા રહે, આપણો અહમ આભને અડકતો રહે, વાહવાહ થતી રહે અને આપણે માનીએ કે આપણે દુનિયા પર છવાઈ ગયા! પછી જરા ઝાંખા પડ્યાં, જુનાં થયા અને કેન્દ્રમાં બીજું કોઈ આવી ગયું એટલે લોક બધું ત્યાં! દ્વેષભાવે ભરેલી વિવેચનાથી જેટલી બેચેની થવી જોઈએ એટલી જ બેચેની પોલા પ્રશસ્તિ વચનોથી પણ થવી જ જોઈએ.
આ ખાલીપો હવે સાથે ને સાથે આવવાનો પડછાયાની જેમ! I feel life to be infinitely gray and melancholy. Something unbelievably empty and and my self a total vacuum.
એકવાર આવી ખીણમાં ઊતરી પડ્યા પછી ભાગ્યે જ પાછા ટોચ પર પહોંચાય. હવે કેડી તો બધી જ ખોવાઈ ગઈ છે. વિક્ટરથીયે કોઈ મદદ નહિ થાય. કોઈ કશી જ મદદ નહિ કરી શકે.
એક બાજુ પીંછી અને સામે અનેક શક્યતાઓથી ભરપૂર ફલક છે તો બીજી બાજુ આન્દ્રે દ્વારા રચાયેલ મૃત્યુની કવિતા! કેવો વિરોધાભાસ!
I wondered slowly towards the river,
My Heart burned with songs,
Little faggots that flamed
Purple spirits of songs smoke
Spirals laughing sad
Song that sang of my dying
And Autumn reached me.......
Comments
Post a Comment