આત્મવેદના થી આત્મમન્થન સુધી - Revenue Stamp by Amrita Pritam
"જિંદગીની મજલ કાપતાં કાપતાં ધરતીનો પથિક રડી ઉઠ્યો."- Amrita Pritam
(Translated by Jya Mehta)
પીડાને સમજવા માટે પીડાનો અનુભવ જરૂરી નથી માત્ર આત્મવેદના જ પૂરતી છે. આત્મવેદના એ એક નવી દ્રષ્ટિ પુરી પાડે જ્યાં કશું જ જરૂરી હોતું નથી. વિચારોનું જાળું સતત વાચકોની આસપાસ ગુંથાતું રહે છે. જેમ એ વિચારોને વિઘ્નો કહે છે એ જ રીતે વિચારોના વિઘ્નો એનું ઊંડાણ વાચકોને ડગલે ને પગલે મળતું રહે છે.
લેખિકા અમૃતા પ્રીતમ જે રીતે સમયની, જીવનની, સંબંધની, રાજનીતિની, સાહિત્યની વાત પ્રામાણિક પણે કરે છે, ભાગ્યે જ કોઈ કરી શકે અને એ પણ કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ વગર. નવલકથા આત્મકથાનું સ્વરૂપ હોવાછતાં એને ક્યાંય પણ ઓટ આવતી નથી. જિંદગીના તમામ અનુભવો ને સમયની વટાઘાટો અને સંબંધોના તાણવાણાઓને એણે એકસાથે આલેખ્યા છે.
સમયની સાથે શરૂ થતી જીવનની યાત્રા સમયના ક્યાં પાડવા પર પૂર્ણ થશે એની કોઈ આગાહી નથી અને ઈચ્છા પણ. કારણ દરેક રસ્તા પર ચાલવાનું છે ને દરેક રંગમાં જીવવાનું પણ છે. કયારેક જે દેખાય છે એની કરતા જે નથી દેખાતું એનો ભાર વધુ હોય છે. અમૃતા પ્રીતમેં એકલતા, ઉદાસીનતા, ને જિંદગીના ઉતાર ચઢાવ અવિરત પણે જોયા છે. સમકાલીનોના વિવેચનનો ભોગ બન્યા છે તે છતાં તેમણે પોતાની જાત પરથી આસ્થા ગુમાવી નથી, પોતાના મૂલ્યો અને સિદ્ધાન્તો સાથે કયારેય સમાધાન કર્યું નથી.
જિંદગી હંમેશા દરેક સુખ નથી આપી શકતી. અમૃતા પ્રીતમેં બાળપણથી એક ઉદાસીનતા પોતાની સાથે ઉછેરી છે અને તેને કલમથી પોતાની સાથી બનાવી છે.
"ઘણું બધું સમકાલીન છે - કેવળ એક 'હું' મારો સમકાલીન નથી." - નાનકડી પઁક્તિ એના સંપૂર્ણ જીવનની વેદના છે એક ફરીયાદ છે .
"મારા મનને કેવળ એમણે દુભવ્યું છે જેમનો મારી જિંદગી સાથે કોઈ સંબંધ ન હતો. એમની સાથે કેવળ એક જ દુખાન્ત સંબંધ હતો કે હું એમની સમકાલીન લેખિકા હતી, તેઓ ન મારા વાચક હતા . લેખક હોવું અને લેખક દેખાવું એ બન્નેમાં તફાવત છે. જેઓ દેખાવ કરે છે એમની કોઈ જ આવશ્યકતા નથી ને જેઓ છે એ એમના પોતાના અસ્તિત્વની સચ્ચાઈ કરતાં કાંઈ પણ ઓછું સ્વીકારી શકતા નથી. પોતાનાથી આગળ પોતા સુધી પહોંચવાની યાત્રા છે. લેખક દરેક હાલતમાં લેખક છે. મોસમ પ્રસિદ્ધિની હોય કે ગુમનામીની હોય કે બદનામીની હોય." (Revenue Stamp)
બધી જ નવલકથાના પાત્રોમાં અચેતન સ્વરૂપે એનું પાત્ર છુપાયેલ છે. સંબંધ એ બંધન નથી ત્યાં સુધી જ સંબંધ છે એની પ્રતીતિ સતત દરેક પાત્રો થકી થતી રહે છે. વિવચકો સતત એને નમાવવાના પ્રયત્નોમાં હોવાછતાં એ અડીખમ સાહિત્ય ક્ષેત્રમાં ટોચના સ્થાને ઉભા રહ્યા છે. એવું કદાચ એટલે પણ શક્ય છે કે એ એક સ્ત્રી છે ને સમાજ સ્ત્રીને સ્વંત્રતા આપતો નથી. એ સ્ત્રીઓને માનોરંજનનું સાધન સમજે છે.
"એકલી સ્ત્રીને લોકો બોળીબામણીનું ખેતર સમજે છે, ચાલો ભાઈ, ઢોર ચારી આવીએ......કોને ક્યાં કોઈ કહેવાનું છે ? " (Revenue Stamp)
દરેક વ્યક્તિને પોતાની પીડા હોય છે ને પોતાનો અલગ માર્ગ. કયારેક આપણે પોતાથી કંટાળી જઈએ. શબ્દોના અર્થો બદલાય જાય, મૌનની પરિભાષા બદલાતી રહે છે ને અપણે સૌ એક એવા સમયની શલીનતામાંથી પસાર થઇ જઈએ છીએ કે જ્યાં નથી કોઈ પ્રશ્નના જવાબો આપણી પાસે હોતા. હોય છે તો માત્ર સમય જે કાંઈ જ કહેવાનો નથી.
વ્યક્તિ પાસે એવું કંઇક હોય છે જેનાથી એ જીવી જાય છે પછી ભલે એની પીડા જ કેમ ન હોય ! મન ઉદાસ હતું.ઉદાસીઓની એક લાંબી પરંપરા હતી, એ તો જે દિવસે હાથમાં કલમ લીધી હતી ત્યારથી મારી સાથે ચાલવા લાગી હતી, અને પછી હંમેશ મારી સાથે ચાલતી રહી હતી. (Revenue Stamp)
જિંદગીનો ઉદ્દેશ જિંદગીનાં રહસ્યો સુધી પહોંચવાનો છે.એરિકમ્મા હાફેરના શબ્દોમાંકહીએ તો.....
"મનુષ્યો ઈશ્વરની એક અધૂરી રચના છે અને એનો દરેક સંઘર્ષ ઈશ્વરે અધુરા છોડેલા કામને પૂરું કરવાનો પ્રયત્ન હોય છે."
જયારે પોતાના છોડીને જાય છે ત્યારે માણસ ભાંગી પડે છે કારણ...."જયારે કાંઈક છુટે છે ત્યારે કાંઈક તૂટે પણ છે." જયારે જેનો સાથ જંખ્યો હોય ત્યારે એ સાથે નથી હોતા ને પછી સર્જાય છે એક લાંબી ઉદાસીનતાની હારમાળા....
"વિશ્વાસને તૂટતો જોઉં છું, પરંતુ નિરાશા મનના ઊંડાણ સુધી નથી પહોંચતી. અહીં જ રસ્તામાં ક્યાંક અટકી જાય છે, અને પછી મનના ઊંડાણમાં."
સત્યને પામવું એ સહેલું નથી. ત્યારનું સત્ય આજનું સત્ય નથી, ને મારુ સત્ય ને તમારું સત્ય અલગ છે એ સ્વીકારવું રહ્યું. જીવન એ પોતાનીથી આગળ પોતા સુધી પહોંચવાની યાત્રા છે ને યાત્રા હંમેશા કઠિન જ હોય છે.
વેદના અને પીડા માંથી નિતરતું જ્ઞાન એ સૌને કયારેય સમજવાનું નથી એને એને માટે આપણે જવાબદાર પણ નથી. મનની ઉંમર ક્યાં હિસાબે વધેઘટે છે -પકડમાં નથી આવતું. ભીતર વીતરાગ થઇ જાય ને હ્રદયને બાળતી આગ લખાવી જાય.ઇતિહાસ કેવળ ઇતિહાસનાં પુસ્તકોમાં નથી હોતો. પુસ્તકમાં લખાય તેના કરતા ઘણાં સમય પહેલાં ઇતિહાસ લોકોના શરીર પર લખાય છે. કેવળ સંસ્કારોથી સ્વતંત્ર નહીં, લોહીમાંસની વાસ્તવિકતાથી પણ સ્વતંત્ર...કલ્પનાની એ દુનિયા ફક્ત એની જ હોય છે જે એને સરજે છે, અને જ્યાં એને સર્જવાવાળો ઈશ્વર પણ એકલો હોય છે.
ક્યારેક નિખાલસતા જળવાય છે પણ ભીતરથી કશી જ એ લે થતી નથી. મનના પગની સામે એક અંતર છે, જે કદી નથી કાપી શકાતું અને એવું લાગ્યા કરે જ્યાં જે કાંઈ ઊભું છે તે કદાચ હંમેશ ઊભું રહશે, એક અંતર પર. પાસે ન આવી શકે, કાંઈ નહીં, વધુ દૂર જવામાંથી તો બચી જઈએ.
લેખિકા પાસે પોતીકી દુનિયા છે જ્યાં સર્વને પરવાનગી નથી પ્રવેશ માટેની . જે છે એ એનું પોતાનું છે એની સાથે છૂટી ગયેલા સંબંધો, ભગ્ન લગ્ન જીવન, મિત્રતા, પ્રેમ, અને વાચકો.....આ બધા સાથે એક તારથી જોડાયેલ હોવાછતાં સ્વંત્રત છે. તે કેવળ સંસ્કારોથી સ્વતંત્ર નહીં, લોહીમાંસની વાસ્તવિકતાથી પણ સ્વતંત્ર...
કલ્પનાની એ દુનિયા ફક્ત એની જ હોય છે જે એને સરજે છે, અને જ્યાં એને સર્જવાવાળો ઈશ્વર પણ એકલો હોય છે.
જે પળે બધાથી વિદાય થવું પડે ત્યારે સહજ મનથી વિદાય થઇ શકીએ ! ખોટા દેખાડાથી દૂર કેવળ એટલું ઇચ્છું છું કે જેમનો મારા અસ્તિત્વ સાથે, મારા જીવન સાથે કશો સંબંધ નહોતો એમનો મારા મૃત્યુ સાથે પણ કાંઈ સંબંધ ન હોય. આવા અવસરોએ ઘણુંખરું એ લોકો આસપાસ ઊભા રહી જાય છે, જે કયારેય પાલભરનોય સાથ નથી થતા, કેવળ ભીડ બને છે. ભીડનો મારી જિંદગી સાથે કાંઈ સંબંધ નહોતો.
અમૃતા પ્રીતમના પુસ્તકોના નહીં જિંદગીના પુષ્ઠ છે, પણ એની પર લખેલું કેવળ એ લોકોની જ સમજમાં આવે જેમણે જિંદગના તોફાન પોતાના શરીર પર સહ્યા છે અને જે હાથની તાકાત કેવળ પોતાના મનથી મેળવે છે.
કલમ....કમાલ કરી ગઈ ! રડી ગઈ , રડાવી ગઈ, ને એક અંગ બની વેદના આજીવન જીવંત બની ગઈ..!
Comments
Post a Comment