અતરાપી
ધ્રુવ ભટ્ટ
માનવ જીવન અને આસપાસના તાણાવાણાથી ગુંથાયેલી અને સંબંધોના મોહપાસના બંધનમાંથી મુક્ત કરતી કથા. સારમેય કશુંય શીખ્યો ન હોવાછતાં એ અગાથને જાણી ચુક્યો છે ને કૌલેયક જ્ઞાનની ચરમસીમાએ પહોંચવા છતાં એને એ અવસ્થા પ્રાપ્ત થઇ શકી નહોતી. સતત કશુંક બનવાની લાહ્યમાં એ કદાચ કશું જ બની શક્યો નહતો. ને સારમેય એ કશું જ ન હોવાછતાં સર્વત્ર હતો. સારમેય ક્યારેય ઉત્તમ શ્વાન બનવાની હોડમાં દોડયો જ નથી. એણે માત્ર એના અસ્તિત્વમાં જીવ્યો છે. કૌલેયકના મતે, 'જાતવન શ્વાન બનવું કંઈ સહેલું નથી. તે માટે કેટલુંય ત્યાગવું પડે છે.'
માણસ અવિરત પણે બંધાતો જાય છે એણે જ રચેલા ચક્રવૃહમાં. જે થાય છે એનો સહર્ષ સ્વીકાર કરવો જોઈએ. આપણે જે હોઈએ તે જ થવા માટે બીજા પાસે કઇ શીખવું શા માટે પડે ? અને કોઇના શીખવવાથી પણ આવડી જાય તેવું હોતું પણ નથી. આપણે સતત કંઈ પામવાની હોડમાં કેટકેલુંય નેવે મૂકીને ચલતા હોઈએ છીએ અથવા તો એ આપણી આદત બની ગઈ હોય છે, જેમ રોટલાનો ટુકડો આપતા માલિકની આગળ કૂતરાની પૂંછડી જાતે જ હલવા માંડે છે.
માણસ ઈચ્છા, પ્રેમ, લાગણી, અધિકાર, સત્તા, માન-પ્રતિષ્ઠા જેવા અનેકના મોહપાસના અને કેટલાક વિશેષ દયાવાન, શ્રધ્ધાવાન, શીલવાન, ધાર્મિક, આધ્યાત્મિક જેવા બંધનોથી બંધાયેલો રહે છે અને પછી મુક્તિ માટે તલસે છે. બાકી તો બધા જીવો જન્મથી જ મુક્ત હોય છે. આ બધું જ જો પ્રાકૃતિક પણે હોય તો જ જીવને બાંધશે નહીં. જે ક્ષણે જીવ કશાકવાન બને છે તે પળે જ બંધનને પણ સ્વીકારે છે ને પછી એ જ બંધન આ જીવને પીડે છે. મુક્તિ માટે માત્ર હોવું જરૂરી છે, કશાનું હોવું નહીં.
માનવ માત્રને પ્રત્યક્ષ રૂપે કોઈના હોવાની અથવા તો કોઈના જીવનમાં હોવાની ઝંખના હોય છે. પરંતુ ક્યાં સુધી રેહવું અને ક્યાં સુધી કોઈ રહેશે એ સમય પર જ છોડવું યોગ્ય હશે. બીજાના આવવાથી કોઈ હોય એનું મહત્વ ઘટી ન શકે. સ્થળ અને કાળથી પર પણ એક સત્ય છે કે કોઈના બનવું કે કોઈના હોવું એ તો જીવના પોતાના નિર્ણયથી જ શક્ય બને છે.
કશાકની શોધમાં અવિરત પણે ભટકતા શું શોધી રહ્યા છીએ, એનું મૂળ શું છે એ જ ભૂલી જવાય છે કયારેક! ને વર્ષો પછી ખબર પડે છે ત્યારે હાથ લાગે છે મુંગો મૂંઝારો, એક વસવસો...કે આટલું જાણ્યા પછીય કંઈક જાણવું તો બાકી રહી ગયું. આપણને મન થાય તે ન કરી શકીયે ? મનને તો છઠ્ઠી ઇન્દ્રિય ગણવામાં આવે છે. આપણને મન થાય તે ન કરીયે તેને મનનો "નિગ્રહ" કર્યો કહેવાય".
सहज कर्म कौंतेय सदोषमपि न त्यजेत् ।
આપણેને ભાવદેહ બાંધે છે. હોવાપણાની અવસ્થા બદલાતી નથી માત્ર સમય વીતતો જાય તે સાથે એની ઘણી છાપ છોડી જતો હોય છે. અનેક ઓળખણો, સંબધોથી બંધાયેલા આપણે મૂળને ત્યજીને સંજ્ઞાઓમાં ભળી જઈએ છીએ. અનેક બંધનોમાં બંધાયેલા હોવાછતાં સદામુક્ત રેહવું એ થોડું કપરું છે આ માનવજગતમાં. આપણે જેને વિમુક્તિ કહીએ છીએ તેમાં આવા બંધનનો અસ્વીકાર કદાચ સમાવિષ્ટ નથી.
मया ततमिदमं सर्व जगदव्यक्तभूर्तिना........
કોઈનેય રોકવાના પ્રયત્નો હંમેશા નિરર્થક નીવડે છે કારણ....'કોઈનું કહ્યું કોઈ રોકાયું છે?' આપણે સતત મથતા રહીએ છીએ આપણે જેવા છીએ એવા બીજાને બનાવવા માટે જયારે વાસ્તવમાં પ્રકૃતિએ આપણને અલગ અસ્તિત્વ આપીને મોકલ્યા છે. સમાન રીતે વર્તવું આપણા માટે શક્ય કેમ કરીને બને ?
હજુય બંધનના ભયથી મુક્ત થવાનું બાકી છે. કોઈનેય રોકવા નહીં. જે સાથે રોકાવવા ઈચ્છે છે એ રોકશે જ કોઈ પણ પરિસ્થિતિમાં. કોઈ હોય તો એનો માંહ્યલાને આંનદ હોવો જોઈએ પણ કોઈ સાથે ન હોય ત્યારે એને દુઃખ તો ન જ થવું જોઈએ કારણ 'કોઈનું કહ્યું કોઈ રોકાયું છે ?' કોઈ રસ્તો ખુટાડવા માટે સાથ આપે વાતો કરે અને કોઈ આ આયખું ખુટાડવા માટે. સાથે હોવાછતાં પણ ક્યારેક પાસે હોવાછતાં સાથે ન હોઈએ તો ક્યારેક જોજન દૂર હોવાછતાં કયારેય જુદા જ ન થયા હોય ! કયારેક બોલાયેલા હજારો શબ્દોના કોઈ અર્થ નથી હોતો એમ કયારેક મૌનની ગહનતા સહજતાથી પામી શકાય. "માર્ગમાં તું બોલ્યો નથી તે બધું જ મેં સાંભળ્યું છે."
ક્યારેક વિચારીએ કે શું ફેર પડે છે ? પડે છે. બંધયેલા હોવાથી ફેર પડે છે. કોઈના છોડી જવાનો ભય, એકલા પડી જવાનો ડર, કશુંક જુટવાઈ જવાની ચિંતા અને કોઈ પ્રિયજનની અચાનક વિદાયનો માત્ર વિચાર. આ બધું જ એક જ ક્ષણમાં માંહ્યલાને ધ્રુજાવી નાખે છે ને જીવ બંધાય છે. કારણ ભલે એમાંથી કોઈ સાથે ન હોય છતાંય મન તો એનામાં જ હોય છે.
કોઈપણ ઘટનાથી જીવને કોઈ ફરક પડે, ઘટના પ્રત્યે પ્રતિભાવ જાગે, પોતાની સ્થિતિ બદલાઈ છે , તેમ તે અનુભવે તે ઘડીએ તે બંધાય છે, તે પહેલાં નહીં. न कर्म लिप्यते ।
આ લોકમાં પરલોકની ચિંતા કરવાની જરૂર નથી પરંતુ નૈસગિર્ક પ્રેરણાને તીવ્રતાથી અનુભવવાની જરૂર છે, ભૂમિને સમાંતર ચાલવાની.
પ્રેમ - એ તો હોય છે સહજ રીતે. "જગતસમસ્તના સંદર્ભે પ્રેમની વાત કરીશ તો તરત સમજાશે કે તે તો સદાય હોય જ છે. આકાશની જેમ તે સર્વવ્યાપી છે. વાદળથી ઢંકાયેલું હોય, રાતના અંધકારમાં છુપાયેલું હોય કે બંધ ઓરડામાંથી ન દેખાતું હોય, તો પણ આકાશ ક્યારેય ન હોય તેવું બને છે ? પ્રેમ હોય છે, તે કરી શકાય અને મટાડી શકાય નહીં; બીજે રીતે કહું તો અપેક્ષા, દ્રેષ, ભય, ક્રોધ, વેર - બધુ જ નાશ પામે ત્યારે જે શેષ રહે છે." - પૃથા
કશુંક પામવાની દોડમાં કશુંક ગુમાવવા તૈયાર થઇ જતા આપણે ક્યારેય વિચારતા નહીં હોય કે એ કશુંક જ આપણા માટે ઘણું બધું હતું ?
વિચાર માંગી લે એવા વાક્યો :
"હું શીખ્યો નથી, મેં જાણ્યું છે. શીખવા કરતા જાણવું વધુ યોગ્ય છે તે હું સ્વીકારું છું."
"જેને છોડીને બહાર જવું સલામત ન ગણાય તેને તમે લોકો ઇલાકો ગણો છો, ખરું ને ? "
"કોઈ શિખવાડતું ન હોય ત્યારે પણ આપણે શીખતાં હોઈએ છીએ."
"સંસાર છોડવાનું એને કેહવાય, જે સંસારમાં હોય."
"મુક્તિ માટે માત્ર હોવું જરૂરી છે."
Comments
Post a Comment