બાપુજી
બા ના ગયા પછી બાપુજી જ ઘરના વડિલ. ઘરના ફળિયામાંથી ખબર પડી જાય કે બાપુજી ઘરમાં છે કે નહીં ? કારણ ઘરના ફળિયામાં પણ એના અસ્તિત્વનો એહસાસ રહતો. આમ તો મારા પપ્પા કરતા એ દસ જ મિનિટ મોટા. પણ, મોટા ખરાને એટલે અમે એમને 'બાપુજી' કહીને બોલાવીએ. પચાસ વર્ષની ઉંમરે એકપણ ચાંદીનો વાળ જોવા ન મળે એનું વિસ્મય મારામાં હજુ અંકબન્ધ છે. બાર વર્ષથી ડાયાબિટીસનો રોગ હોવા છતાંય શરીર એકદમ કસાયેલું. સ્વભાવે તેજ પણ હ્દય બહુ કોમળ. સ્નેહ અને લાગણીનો અખૂટ ભંડાર. સંયમી ને શિસ્તબદ્ધ જીવનમાં માનનાર. કોઈ પણ બાળકને કંઈ પણ થાય કે વાગે તો એનાથી સહન ન થઈ શકે. એ ચિડાય જાય, ખીજાય જાય. બધાને ચિંતા એ રહતી કે એ વિષયમાં બાપુજીને શું કહેશું. લાગણી વ્યક્ત કરવાનું એકમાત્ર સાધન હતું એમની પાસ ને એ પણ એમનો ગુસ્સો.
માતાજીમાં પુરી શ્રધ્ધાને આસ્થા એમને. દરેક તહેવાર ધામધૂમથી જ ઉજવવાના એમની સાથે. બાની જેમ તેઓ પણ કેહતા, "પરબ સારા કરો તો વરસ સારા જાય." તહેવાર ગમે તે હોય પણ એ તો તૈયાર જ હોય હો!
હજુ, આજેય યાદ છે એ વર્ષો પહેલાંની યાદગાર ધુળેટી. અમે બધા ભાઈ-બહેનોએ મળીને ઘરની દીવાલોને રંગોથી ચીતરી મુકેલી.
એ જોઈને બાપુજી થોડા ખિજાયેલા પરંતુ એમનો ગુસ્સો બહુ લાંબો ચાલતો નહીં ખાસ તો તહેવારમાં. અડધો કલાક પછી સામેથી આવીને અમારી પર રંગો ને પાણી નાખીને મોજથી સાથે ધુળેટી રમેલા. એ ધુળેટી જેવી મજા આજ સુધી આવી નથી ને હવે કયારેય આવશે પણ નહીં.
ઘરમાં પણ એની હાજરીથી ઘર ભર્યું ભર્યું લાગે.
કોઈનેય મોળો હોંકારો તો આપવાનો જ નહીં ને! ગુલાબજામુન જોઈને મોઢામાં પાણી ભરાય એટલું વ્હાલ તો એની આંખોમાંથી કાયમ નિતરતું હોય! આમ, કાયમ હસતા ને હસાવતા પણ ખીજાતાય વાર ન લાગે હો!
એ બાળક બનીને અમારી સાથે રમે ને રમાડે, મિત્ર બનીને સલાહ પણ આપે ને ક્યારેક ફિલસુફીની વાતો પણ કરે, જરૂર પડ્યે માથાં પર હાથ પણ ફેરવી જાણે તો કયારેક આંખોમાંથી દડદડ વહેવા માંડે એવો ઠપકો પણ આપે.
ભર બજારમાં જો કોઈ હુલામણા નામે કોઈ સાદ પાડી શકે તો એ બાપુજી જ હોય! કોઈને પણ ઓળખાણ કરાવે તો ગર્વથી કે આ મારી દીકરી, પછી જો કોઈ પૂછે તો કે પણ ખરા, કે છે તો વિનુની પણ મારી જ છે. ને એ સાંભળતી વખતે મારા ચહેરા પર સ્મિત આવતુંને એના ચહેરા પરનું વ્હાલ આજે પણ આંખો સામે તરવરે છે. હજુ, પણ ફોટામાં જયારે જોઉં છું તો લાગે છે કે હમણાં જ સાદ પાડશે!
એણે વિશાળ વટવૃક્ષ બનીને ઘરના સભ્યોને છાંયો આપ્યો છે. છતનું હોવું એટલે શું ??...એ છત ગુમાવ્યા પછી જ ખબર પડે છે.
वसीम बरेलवी સાહેબનો એક શેર યાદ આવે છે,
फूल तो फूल हैं आँखों से घिरे रहते हैं
कांटे बेकार हिफ़ाज़त में लगे रहते हैं
देखना साथ छूटे न बुज़ुर्गों का कही
पत्ते पेड़ों पे लगे हों तो हरे रहते हैं।
દરેક પરિસ્થિતિમાં એ અડીખમ સાથે જ ઉભા હોય. કોઈ સફળતા કે નિષફળતામાં ટકી જવાનું એમણે બળ પૂરું પાડ્યું છે.
હજુ પણ વિશ્વાસ નથી આવતો કે હવે એ આવજ એ ઠપકો કાને નહીં અથડાઈ. એના ચેહરાનું સ્મિત માત્ર હવે યાદોમાં છે. બાપુજી શબ્દના ઉત્તરમાં આખુંય ઘર મૌન સેવે છે. એના સંવેદનો, એમનો સ્પર્શ, અનુભવાય છે ત્યારે હજુ પણ રોમરોમ માંથી કંપારી પસાર થઈ જાય છે.
એ હજું છે ને રહશે ફળિયામાં, તહેવારોમાં, વાતોમાં, આંખોમાં, અશ્રુમાં, મૌનમાં, સ્પર્શમાં ને ભીતરમાં કાયમ માટે.
Comments
Post a Comment