ટોળું એ જીજ્ઞેશ વ્યાસ દ્વારા લખવામાં આવેલી લઘુકથા છે. જેમાં માનવજીવનની વાસ્તવિકતા અને વિષમતાઓ સુપેરે રજૂ થાય છે. બહુ મોટું ગહન સત્ય એ સરળતાથી રજૂ કરી આપે છે. માણસ પોતાના જીવન દરિમયાન કોઈ એક ક્ષણે અથવાતો પરિસ્થિતિઓને આધીન થઈને પણ ટોળાંનો ભાગ તો અવશ્ય બની જાય છે. સંસ્કૃતિ, સંસ્કાર, વૈચારિક વારસો, જીવનના મૂલ્યો, ક્ષણમાં તો કેવા ઓગળી જાય છે એની વાત લેખક અહીં કરે છે.
માનવજીવનમાં બનતી અનેક નાની-મોટી ઘટનાઓ હ્દયને ઘણી વખત હચમચાવી જતી હોય છે. જે મૂલ્યો માટે આખી જિંદગી ઝઝૂમ્યા હોય, એ જ વ્યક્તિગત મૂલ્યો ટોળામાં કે ટોળાં સામે ટકી શકતા નથી ને પછી એ ટોળાંનો જ એક ભાગ બનીને રહી જાય છે. લેખક અહીં વ્યક્તિગત હ્દયની વેદનાને સુપેરે રજૂ કરતા લખે છે,
"હું વિચારતો રહ્યો; માનવ સભ્યતા - સઁસ્કૃતિ વિશે! ક્યાં ગયું આ બધું ? માત્ર પુસ્તકોમાં જ ઉમદા વિચારો ધરબાઈને રહી ગયા છે ? ક્યાં ગયા પેલા મહાન આત્માઓના મૂલ્યો, સિદ્ધાન્તો, વિચારો ? ધૂળમાં મળી ગયા કે શું?"
વ્યક્તિ પાસે વિચાર હોય છે ને ટોળું વિચારવાની ક્ષમતા ગુમાવી ચુકેલું માત્ર ઝુંડ છે. જેની સંવેદના મરી પરવારી છે. જેને પોતાની કે બીજાની ભાવનાઓ સાથે કોઈ લેવાદેવા નથી. લાગણી શબ્દ તો ટોળાંથી મિલો દૂર રહે છે. ટોળાં પાસેથી સભ્યતા, કે કોઈપણ આદર્શ વ્યવહારની અપેક્ષા રાખી શકાય નહીં. ટોળું એ એવા હાજર માનવીઓનો સમૂહ છે જેમાં બુદ્ધિ અને વૈચારિક શકિત હંમેશા ગેરહાજર રહતી હોય છે.
લેખક બેચાર લસરકમાં આખું ચિત્ર રજૂ કરે છે. સામાજિક પરિવેશ, વિષમતાઓ, માનવમનની સંકુલતાઓ આ લઘુકથામાં રજૂ થતી જોવા મળે છે.
કદાચ આ વાર્તા એ આપણા બધાની વાર્તા છે. આપણી આસપાસ જ બનતી તમામ ઘટનાની વાર્તા છે. માશાલો લઈને નીકળી પડતી વખતે આપણને વિચાર નથી આવતો કે આ મશાલો લઈને નીકળવાનો અર્થ શો છે? રેલીઓમાં નારા બોલાવતા આપણે કયારેક તો રેલીનો હેતુ જ ભૂલી ગયો હોઈએ છીએ. ક્યાંક હુલ્લડ થાય તોફાન થાય તો જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડતી વખતે એક મિનિટ પણ વિચાર નથી કરતા કે આ દેશ આપણો છે. ને જાહેર જનતાની સંપત્તિને નુકશાન એ આપણું પોતાનું પણ નુકશાન છે જ! કોઈ જગ્યાએ પથ્થર મારો કરતા ભૂલી જઈએ છીએ કે આપણે માનવ મૂલ્યોને, માનવતાને રહેંસી રહ્યા છીએ. આ બધું જ કરતા આપણને જરા પણ ખચકાટ નથી અનુભવાતો કારણ....આપણે માણસ મટીને 'ટોળું' બની ચુક્યા હોઈએ છીએ. હા, 'ટોળું'. ને કહ્યુંને ટોળું એ વિચરવાની ક્ષમતા ધરાવતું નથી.
"હે....એ.... હો.....હો.... ટોળું આગળ ને આગળ ધપતું જ હતું, ધપતું જ ગયું. પથ્થરો ઉડતા રહ્યા, બૂમ બરાડા પડઘાતા રહ્યા. એક પથ્થર - એક નહિ કદાચ......મારા હાથમાં પણ હતા. હવે હું 'હું' નહતો, ટોળામાંનો જ એક હતો, 'ટોળું' જ હતો !"
NiCE
ReplyDelete