લોકશાહી
એક સમય એવો હતો
જયારે લોકશાહી હતી લોકોની વાણી.
સદીઓ પહેલાં
લોકશાહી હતી રાજાની રાણી....
લોકશાહી તો લોકોની વાણી
લોકશાહી તો રાજાની રાણી
લોકશાહી તો ભગવાનની ભાણી
એક દિવસ
રાજા અને પ્રધાનો
સોનાનો મૃગ લેવા ગયા 'તા ત્યારે
લોકશાહીને
રાવણ ઉપાડી ગયેલો...
અશોકવાટિકામાં
હજીય
લોકશાહી રાહ જોયા કરે છે
પણ
હનુમાન આવતા નથી
રામનો સંદેશ લાવતા નથી...
રાવણ રોજ
ભર્યા દરબારમાં
લોકશાહીને નચાવ્યા કરે
લોકશાહી નાચ્યા કરે
લોકશાહી રડ્યા કરે
એક દિવસ
ભર્યા દરબારમાં નાચતાં નાચતાં
લોકશાહીનું ઝાંઝર છૂટી ગયું
એટલા માટે એને
ભારતમાં ફેંકી દેવામાં આવી.
ભારતમાં
લોકશાહી ભૂખે મરે
લોકશાહી તરસે મરે
લોકશાહી ટ્રેનનો સળિયો પકડી ઢસડાય
લોકશાહી રેશનિંગની લાઈનમાં ચગદાય
લોકશાહી પાસે
રહેવા ઘર નથી
ખાવા અનાજ નથી
ને પહેરવા
એક્કેય કપડું નથી...
લોકશાહી રોજ
રામને સાદ પાડ્યા કરે
પણ
રામની ક્યાંય મળે નહિ ભાળ.
લોકશાહીને હવે
રામ ઉપર પણ વિશ્વાસ ન રહ્યો.
તેણે
દુકાનો તોડવા-બાળવા-લૂટવાનું શરૂ કર્યું.
લોકશાહી દુકાનો તોડે
ને પોલીસ બંદૂકો ફોડે
લોકશાહી પોલીસને પથરા મારે
પોલીસ લોકશાહીને દંડા મારે....
આમ
સત્યની લડત લડતાં લડતાં
એક દિવસ
લોકશાહીને લમણે ગોળી વાગી
ને ત્યાં જ
લોકશાહી ઢળી પડી.
રાજા, પ્રધાનો વગેરેએ ભેગા થઈ
દુઃખની લાગણી વ્યક્ત કરી,
પોલીસે માફી માગી,
વળતર ની જાહેરાત થઈ,
તપાસ માટેની સમિતિ રચાઈ,
બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું;
શહેરમાં
લોકશાહીનું પૂતળું રચી
ફૂલહાર ચઢાવ્યા....
.....છેક
છેક ત્યારે રામ આવ્યા
અને બોલ્યા:
ઓ દેવી.... .....
~ યોગેશ જોશી
Comments
Post a Comment