પિંજરની આરપાર
~ માધવ રામાનુજ
રૂબિન ડેવિડ - નામ તો સૂના હી હોગા! પ્રાણીઓના પિતામહ. છેલ્લા કેટલા દિવસથી મનમાં સતત ઘૂંટાતું રહ્યું છે એ નામ એટલે - રૂબિન ડેવિડ. કોઈ પશુ-પક્ષીને જોતા તરત જ જેનું સ્મરણ થઇ આવે એ નામ એટલે રૂબિન ડેવિડ. અમદાવાદનું ને ગુજરાતની શાન ગણાતું કાંકરિયા તળાવના નિર્માણના જનેતા એટલે રૂબિન ડેવિડ. આ પેહલા કેટલીય વાર કાંકરિયા તળાવની મુલાકાત લીધેલી પરંતુ લાગે છે કે રૂબિન ડેવિડને જાણ્યા પછી હવેની મુલાકાતમાં ક્ષણે-ક્ષણે એમની હાજરીનો ભાસ થશે. એક એક પાંજરાથી લઈને એક એક ડાળીમાં એમણે લીધેલા શ્વાસની હવા હશે.
ઇતિહાસના રેખાચિત્રમાં હકિકતને દુષિત કર્યા વિના કલ્પનાના રંગમાં બોળી-બોળીને શબ્દોની પીંછીથી ઓળખેલું મેઘધનુષી જીવનચરિત્ર હોય એવી જીવનકથા એટલે ......પિંજરની આરપાર.
સમગ્ર પણે જોતા એવું લાગે કે 'એક માણસ એક જિંદગીમાં આટલું બધું કંઈ રીતે કરી શકે!' આટલું બધું એકસાથે કેવી રીતે જીવી શકે! હા, મારે વાત કરવી છે રૂબિન ડેવિડ વિશે. એમણે જીવેલી પ્રત્યેક પળ વિશે.
વાત કરવી છે, એક આકંઠ છલકતા માણસની છલોછલ છલકાતી એકલતા વિશે!
શિકારી રૂબિન ડેવિડથી પ્રાણીઓના પિતામહ સુધીની યાત્રા રૂબિને ખેડી છે. આ યાત્રા ખરેખર જોઈએ તો યાતના છે. મોજશોખ ખાતર કરેલો ઘા ને સસલાંની છેલ્લી ક્ષણોના તરફડાટમાંથી રૂબિનના હ્દયમાં ઉદ્દભવેલી પીડામાંથી આ વિશ્વને એક અનોખું પ્રાણી માત્ર માટે જાન ન્યોછાવર કરનારું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું એ ને એ છે ....રૂબિન ડેવિડ.
પ્રત્યેક જીવ એ સ્વંત્રત છે. ને જીવને બંધનમાં રાખવાના! એ પણ લોકોના મનોરંજન માટે! રૂબિને વિચાર્યું, "જંગલમાં મુક્ત વિહરતા સિંહને વીસ ફૂટના પિંજરામાં પુરાઈ રહેતા શું થતું હશે! આખા અવકાશને પોતાની પાંખમાં ભરીને ઊડતા રહેતાં પંખીને પાંખોય પુરી ફેલાવી ન શકે એટલા નાના પિંજરામાં પુરાવાનું આવે ત્યારે કેવું લાગતું હશે!"
બંધનનો વિચાર જ રૂબિનને અકળાવી નાખનાર હતો. પછી વિચાર્યું કે એ પાંજરું પ્રાણીની સલામતી માટે હશે, બંધન માટે નહીં! ભ્રમ પણ ક્યારેક આદર્શનો સ્વાંગ સજીને આપણને ભોળવી જાય છે. કોઈનું સ્વપણું ઝુટવી લઈને એમને પ્રયત્નો પૂર્વક રાખવા એ કુદરતની વિરુદ્ધ છે. પ્રાણી માત્ર સ્વંત્રતાના અધિકારી છે. અને રૂબિન ડેવિડે નક્કી કર્યું કે, 'પાંજરા તો હશે, પણ બંધન નહીં લાગે.... મારી એ સૃષ્ટિના શ્વાસ વહેતા રહશે પિંજરની આરપાર........" રૂબિન ડેવિડે સર્જેલી સૃષ્ટિ એક નિશ્ચિત આકારની સાથે સાથે વિકસવા લાગી, વિશ્વમાં ખ્યાતિ પામવા લાગી.
રૂબિનના સ્પર્શ માત્રથી પ્રકૃતિ તથા પ્રાણી જગતમાં ચૈતન્ય વ્યાપી જતું. એક પિતા બાળકને જે સ્નેહથી ઉછેરે એ જ સ્નેહ ને વ્હાલથી રૂબિને એક એક પ્રાણીનો ઉછેર કર્યો. નાનામાં નાના વન્ય જીવોથી લઈને મોટાં મોટાં પ્રાણીઓને રૂબિને બહુ પ્રેમથી મોટાં કર્યા છે. એ બધાં જીવો પણ રૂબિન સાથે લડે, ઝગડે ને વ્હાલ પણ કરે ને રિસાય પણ ખરા! કેવો અદ્દભૂત પ્રેમ! એ લાગણીને અભિવ્યક્તિ માટે ભાષાની જરૂર નથી હોતી.
સ્નેહની અભિવ્યક્તિ માટે સ્પર્શ જેવું બીજું કયું માધ્યમ છે? રૂબિન પાસે સાંભરણનો સ્પર્શ છે અને સ્પર્શની સાંભરણ! 'મન બોલે ને મન સાંભળે, એ જ તો સાંભરણ ને!'
કોઈ પણ પ્રાણીને જો કોઈ મનુષ્ય નુકશાન પહોંચાડે, ઝૂ માં કોઈ પ્રાણીને લલચાવે ત્યારે રૂબિન ડેવિડની પીડા સણકી ઉઠે. એ કહે, "પાંજરે પાંજરે દેખરેખ રાખનારા માણસો મૂકી શકાય, પણ માણસે માણસે માણસ ક્યાંથી મૂકવા?" લોકોની માન્યતાઓ બદલાતી નથી. કદાચ રૂપાંતર પામે છે. પણ તોયે વલણ જેટલું બદલી શકાય એટલું બદલવા પ્રયત્ન તો કરવો જ જોઈએ.
"માણસ સિવાયની પ્રત્યેક જીવસૃષ્ટિએ એનું પોતાપણું જાળવી રાખ્યું છે. પોતાની જાતિને જયારે જયારે મુશ્કેલ લાગ્યું છે ત્યારે ત્યારે નષ્ટ થઇ જવાનું પસંદ કર્યું છે. પણ, માણસ ? અરે, પશુએ તો એની પશુતા જાળવી રાખી છે, માણસ માણસાઈ જાળવી શક્યો છે?"
અવાજ વિહોણી દુનિયાની કલ્પના માણસ માત્ર ને ગભરાવી મૂકે, અકળાવી મૂકે ત્યારે રૂબિન ડેવિડે હવે અવાજ વગરની દુનિયામાં જીવવાનું હતું. જેનો અવાજ માત્ર સાંભળતા મોટા મોટા વન્ય પ્રાણીઓને કાબુમાં આવી જતા, હવે એ અવાજ ક્યાંય નહીં પડઘાય એની કલ્પના માત્ર બિહામણી લાગે!
એ યુગો જેવી એકએક પળ પસાર કરવી અઘરી છે. પછી તો યુગોના યુગો પલકારામાં વીતી જતા હોય છે.
રૂબિન ડેવિડ માટે એ મરણિયો જંગ હતો. "જીતી જવાશે તોય ઘણુંબધું હારવું પડશે...આ ક્ષણ પછીની જિંદગીના પ્રત્યેક શ્વાસના બદલામાં અવાજ આપી દેવો પડશે! પ્રાણના બદલમાં પ્રાણ જેવી મુલવણી છે!"
નરસિંહ મેહતાને તો ક્યારેક ગીરવે મુકેલા કેદારો રાગને છોડાવી લાવવાની આશા હતી. પણ, અહીંયા તો.....
જેનું સર્વસ્વ લૂંટાય ગયું હોય એને ફકીર બનવાની જરૂર નથી હોતી! હવે તો "અવાજ નહીં પણ અવાજના ભ્રમની આરાધના કરવાની હતી. મૃગજળના સરોવરમાં તરવાનું શીખવાનું હતું."
સમયે જીવન આપીને જીવવા માટેનાં બધાં આશ્વાસનો લઈ લીધા? સમય એના રહસ્યો ક્યાં ઊઘડવા દે છે? સમય માણસને સમયનો સાક્ષી બનાવે છે. એ પણ કેવા કેવા સમયનો! એક માણસ એક જિંદગીમાં કેટલા આઘાત સહન કરી શકે?! આંસુને પાંપણના બંધ નડતા નથી. પાંપણ મીંચાઈને ઉઘડે એટલાંમાં કેટલોય સમય વહી જતો હશે! ક્યારેક જીવનની ઘટનાઓ વિસરાતી નથી એની સાથે જીવવાનું હોય છે. ને એ વિચારે છે,
"જયારે હવે જીવી ગયો છું ત્યારે જીરવવાનું ને જીવવાનું કેટલું અઘરું થઈ પડશે ...."
જીવ માત્રમાં લાગણીના તાણાવાણા ખુબ નાજુક હોય છે છતાં અતૂટ હોય છે. પ્રેમ એ જીવનની અનન્ય વસ્તુ છે. અવાજ વિહોણું એ ખંડિત વ્યકિતત્વ પણ પ્રેમથી છલોછલ છે. સમયના પગલાંનો અવાજ ઉકેલતાં એને આવડતું હશે. સ્મરણોના આધારે જીવન જીવી શકાય. ને સ્મરણો આંસુની નાવમાં બેસીને આવે છે. પણ, સ્મરણોનાં સાક્ષી ક્યાંથી લાવવા? કેટલું સમયના પોટલાંમાં બાંધી શકાય? હજું કોઈ સમય માટે પાંજરું બનાવી શક્યું નથી!
મૌન હોવું અને ના બોલી શકવું એ બન્ને વચ્ચેની ભેદરેખા બહુ સ્પષ્ટ છે. કેહવું નહીં ને કહીં ના શકવા વચ્ચે બહુ મોટું અંતર રહેલું છે. વિચારો, વાતોના ગૂઢર્થો મુંજવણ ઉપજાવે એવા હોય છે. રૂબિન કહેતા,
"અરે, આખું મહાભારત લખાય એટલા કાગળ જોઈએ મારે એક દિવસની વાતચીત માટે! ને તોય શું વળે? અવાજનું વજન અક્ષરોમાં ક્યાંથી આવે? ઉચ્ચારણનો ભાવ એ સંબોધનમાં ક્યાંથી ઉતારી શકાય?"
ઘણીવાર બોલેલું પણ સમજતા લોકોને વાર લાગે છે. તો લખેલું કેટલું પહોંચ્યું એ કેમ ખબર પડે? શબ્દ બોલીએ ત્યારે ભાવ સાંભળનાર સુધી અવશ્ય પહોંચે પણ લખીએ ત્યારે? જીવનની દરેક ક્ષણને પસાર કરવાની જ હોય છે. સંબધો અમૂલ્ય છે. જીવ માત્ર પ્રેમ ઝંખે છે. સંબંધ ઝંખે છે. "કહેવાનું હોય એ લખીને કેહવા જતા કેટલું પહોંચે? વિચારોની ઝડપ કે બોલવાની ગતિને કદાચ માની લો કે લખવામાં ઉતારી શકાય, પણ ભાવનું શું? ને મુંઝવણ કે અકળામણનો તો કોઈ ઉપાય જ નહીં ને!"
લખેલા અક્ષરો કેવા મૂંગા હોય છે! લખેલા અક્ષરો બોલતા નથી. તો જે બોલાય છે એ? એ લખી શકાતું નથી. કેમ? શબ્દોનું માધ્યમ ખરું, પણ બોલવું અને લખવું એ બે જુદીજુદી બાબતો છે.
મિત્રોના હાથમાં હ્દયના ટુકડાઓ મુક્યા પછી એના મૂલ ક્યાં મુલવી શકાય! લખેલા અક્ષરો ધ્વનિવિહોણા હોય છે. બોલતા શબ્દોમાં લિપિ નથી હોતી! ....તો અત્યારે રૂબિનની દશા -લિપિ વિહોણા શબ્દો જેવી કે ધ્વનિ વિહોણા અક્ષર જેવી?
દરેક વિચાર અને ધ્વનિ અવકાશમાં ક્યાંકને ક્યાંક સંગ્રહાય છે. બીજે તો ખબર નથી, ક્યાં સંગ્રહાતા હશે, પણ સ્મરણમાં તો જરૂર જળવાય છે, પછી વખતોવખત પડઘાય છે. જીવન અને મૃત્યુ વચ્ચે આવા પળ બે પળના વિસામા ક્યારેક જ આવતા હોય છે..
ઘણી વખત જીવનના અભાવો, ઈચ્છાઓ હ્દયના કોઈ ખૂણામાં ધરબાવીને જે છે એનો ઉત્સવ ઉજવવાનો હોય છે. ફરિયાદો કરતા મળેલી પરિસ્થતિનો સામનો કરવો એ જ ઉત્તમ હોય છે. 'ક્યારેક જે છે એ એવું સરસ ગોઠવાય જાય છે કે જે હતું એ હવે નથી એવો ખ્યાલ જ નથી આવતો! જે નથી એનું સ્થાન કેટલું જલ્દી ભરાય જાય છે!'
સમય પણ જેની સાથે સમય વ્યતીત કરવા માંગે એવા રૂબિન ડેવિડ પ્રાણીઓના વિધાતા હતા. જીવનના પર્યન્ત એમણે પ્રાણીઓની સેવા કરી, પ્રેમ કર્યો ને એમની પત્નીએ આજીવન એમનો સાથ આપ્યો. પ્રેમ ભાંગી ન નાખે, એ જીવાડે, ઉડતા શીખવાડે, જીવતા શીખવાડે.
વર્ષોનું મૂંગું તપ એ પરિણામ સુધી પહોંચાડે છે. રૂબિને એ તપ કર્યું છે, ચુપચાપ ક્ષણેક્ષણના મૌનને આત્મસાત કરીને. મનના તરંગોના મોજાં કે સમયના પગલાંનો અવાજ શક્ય છે કે કોઈને સંભળાયો હશે, પણ રૂબિનના પગલાં મૌનનેય મુખારીત કરે એ રીતે પડતા હતા.....
પ્રેમની મૂંગી ભાષાને જેણે આત્મસાત કરી છે એની આગળ પ્રકૃતિ સામેથી આવીને હૈયું ખોલતી હશે.... કેટલીક વ્યક્તિઓ પૃથ્વી પર આવે છે ત્યારે ભવ્યતા સ્વંય જાણે એનો પડછાયો બનીને એની સાથે ચાલે છે.
રૂબિન પોતે જાણે છે કે, આસુંએ આંખની શરમ રાખી છે! નહીંતર ભીતરમાં તો વેદનાની પૂનમ સોળે કળાએ સદાય ખીલેલી રહી છે ને આંસુના મહાસાગર ભરતીને આરે આવીને ઊછળ્યા કરે છે! ભીની આંખો ધીમેધીમે લૂછવાની છે. આત્માને આંસુના સરોવર સામાં ન મળવા જોઈએ. આસું ના સરોવર હવે પાંપણનો આમન્યા નહીં જાળવી શકે!
Comments
Post a Comment